Gondalમાં વંદે ભારત ટ્રેનની અડફેટે બે યુવાનોના કરુણ મોત, રીલ બનાવવાનું ઘેલું બન્યું જીવલેણ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

રાજકોટના ગોંડલ નજીક સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચમાં એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. ગોંડલ ચોકડી પાસે રેલવે ટ્રેક પર ઊભા રહીને વંદે ભારત ટ્રેન સાથે સેલ્ફી લેવા અને રીલ બનાવવાના પ્રયાસમાં ત્રણ પરપ્રાંતીય યુવાનો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. આ યુવાનો સ્થાનિક કારખાનામાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ ટ્રેન સાથે વીડિયો બનાવવાની ક્ષણિક મજા તેમના જીવનની અંતિમ ક્ષણ સાબિત થઈ હતી.

વંદે ભારત ટ્રેનની અડફેટે કુલ 2 વ્યક્તિના મોત

આ ભયાનક અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વધુ એક યુવાને દમ તોડતા કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે, જ્યારે ત્રીજો મિત્ર હજુ પણ હોસ્પિટલના બિછાને જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યો છે. વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનની ઝડપનો અંદાજ મેળવવામાં થાપ ખાઈ ગયેલા આ યુવાનો રેલવે ટ્રેક પરથી સમયસર હટી શક્યા ન હતા.

પરપ્રાંતીય યુવાન કારખાનામાં મજૂરી કામ કરતા હતા

ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ યુવાનો જીવના જોખમે ટ્રેન આવતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યા હતા. આ કિસ્સો સોશિયલ મીડિયાના રવાડે ચઢેલા યુવા વર્ગ માટે એક લાલબત્તી સમાન છે. રેલવે વિભાગે પણ આ ઘટના બાદ ફરી એકવાર નાગરિકોને રેલવે ટ્રેક પર જોખમી સ્ટંટ ન કરવા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સખત તાકીદ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *