ગુજરાતના ચેરાપૂંજી ગણાતા અને સૌથી વધુ વરસાદ મેળવતા ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત પહેલા જ જળ સંકટ ઘેરાયું છે.કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જિલ્લામાં આજે આદિવાસી મહિલાઓ પીવાના પાણીના એક-એક ટીપા માટે વલખાં મારી રહી છે. ચોમાસામાં થયેલા ભરપૂર વરસાદ બાદ પણ જિલ્લામાં પાણીનો પોકાર સામે આવ્યો છે.
ગંદુ પાણી ગાળીને પીવાની નોબત આવી
ડાંગ જિલ્લામાં ચોમાસામાં મેઘરાજા મન મૂકીને વરસે છે પણ ઉનાળાની શરૂઆત થાય તે પહેલા ફેબ્રુઆરી મહિનાથી જ પાણીની તંગી સર્જાઈ છે.ડાંગના લવચાલી ગામમાં સ્થિતિ એટલી વિકટ છે કે આદિવાસી મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે કલાકો સુધી જંગલોમાં ભટકવું પડે છે.નદીઓ સૂકાઈ જતાં હવે પથરાળ કોતરોમાં ઉઝરડા પાડીને ગંદુ પાણી ગાળીને પીવાની નોબત આવી છે.
તંત્ર કંઈ ધ્યાન આપતું નથી
મહિલાઓનું કહેવું છે કે અમારે સવારથી પાણી માટે નીકળી જવું પડે છે.જંગલમાં દૂર સુધી જવું પડે છે તંત્ર કંઈ ધ્યાન આપતું નથી.આ પરિસ્થિતિ છેલ્લા એક વર્ષથી હોય હવે ગામજનોની ધીરજ ખૂટી છે.ગામજનોએ જો પાણીની સમસ્યા દૂર ન થાય તો આગામી સમયમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના બહિષ્કારની ચમકી આપી છે.જ્યારે આ મામલે રાજ્યના પાણી પુરવઠા વિભાગની મંત્રી ઈશ્વર પટેલે જિલ્લા કલકેટર સહિત સંબંધિત અધિકારીઓ ને તાત્કાલિક સમસ્યાના નિરાકરણ માટે સૂચના આપતા તંત્ર કામે લાગ્યું છે.
