હાલોલના દુણીયા વિસ્તારમાં આવેલી મારુતિ નંદન સોસાયટીમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી. ત્રણ ચોરોએ બે મકાનોને નિશાન બનાવ્યા હતા. સોસાયટીના લોકોએ એક ચોરને રંગે હાથે ઝડપી પાડ્યો, જ્યારે બાકીના બે ચોર ₹1.13 લાખની માલમત્તા લઈને ફરાર થઈ ગયા.
ત્રણ ચોર મકાન નંબર 115માં પ્રવેશી રહ્યા હતા
માહિતી અનુસાર, સોસાયટીમાં રહેતા રામપ્રીત સાધુ યાદવ 30 નવેમ્બરના રોજ વહેલી સવારે 4 વાગ્યે નોકરી માટે ઉઠ્યા ત્યારે તેમણે પોતાના મકાનની સામે તાળું તોડવાનો અવાજ સાંભળ્યો અને તેથી તેમણે જોયું તો ત્રણ ચોર મકાન નંબર 115માં પ્રવેશી રહ્યા હતા.
સોસાયટીના લોકોએ ભેગા થઇને એક ચોરને પકડ્યો
તુરંત જ રામપ્રીત યાદવે સોસાયટીના ચંદુભાઈને ફોન કરીને મદદ માટે બોલાવ્યા. સોસાયટીના લોકોએ ભેગા થઇને એક ચોરને પકડ્યો, જ્યારે બાકીના બે ચોર ભાગીગયા. ઝડપાયેલ ચોર ઇજાગ્રસ્ત હોવાનું જણાયું અને તેને હાલોલની સરકારી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ત્યારબાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
અન્ય 2 મકાનમાંથી પણ કરી ચોરી
પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મકાન નંબર 114ના હેતલબેન જ્યોતિષભાઈ તીરગર અને મકાન નંબર 115ના જીતેન્દ્રભાઈ રતનસિંહ બારીયાના બંધ મકાનોમાં પ્રવેશી ચોરોએ સોના-ચાંદીના દાગીના સહિત ₹1,13,000/- ની માલમત્તા ચોરી કરી હતી.
પોલીસે શરુ કરી તપાસ
ઝડપાયેલા ચોરનું નામ કમલસિંહ જગદીશસિંહ સિસોદિયા, સત્યનારાયણ સોસાયટી, પદમાલા, તા.જી. વડોદરા છે. હાલોલ ટાઉન પોલીસે ચોર સહિત તેના બે અજાણ્યા સાથીદારો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
આ પણ વાંચો—- Dahod : વાડામાં ગેરકાયદે રીતે લીલા ગાંજાના છોડ ઉછેરનાર વૃદ્ધની ધરપકડ
