વડોદરાથી હાલોલને જોડતા ટોલ રોડ ઉપર રવિવારે સાંજે બાસ્કા ખંડીવાળા પાસે ટ્રકમાં આગ ફાટી નીકળી હતી.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હાઇવે ટોલ રોડ ઉપર ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનાના પગલે હાલોલ-વડોદરા વચ્ચે એક તરફનો ટ્રાફિક અટવાયો હતો અને કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ રહી હતી.
આ દુર્ઘટનાની જાણ થતાં જ વડોદરા અને હાલોલથી ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જો કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા આગનું સ્વરૂપ વિકળાય થયુ હતું. ટ્રકમાં ભરેલ જ્વલશિલ પદાર્થ એટલો જલદ હતો કે જેમ જવાળામુખીમાથી આગનો રેલો નીકળે તેમ ટ્રકમાંથી આગનો રેલો નીકળીને રોડ ઉપર ફેલાયો હતો. જેના કારણે આસપાસના વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રકમાં લાગેલી આગ દૂરથી પણ નજરે પડતી હતી.ટ્રકની અંદર પ્લાસ્ટિક હતુ કે, કેમિકલ હતુ કે અન્ય કોઇ પદાર્થ તે અંગે હજુ સુધી જાણી શકાયુ નથી. જો કે આગની શરૂઆત થઇ ત્યારે જ ટ્રકના ડ્રાઇવર ક્લિનર જીવ બચાવવા ટ્રકમાંથી નીકળી જતા તેનો બચાવ થયો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મોડી સાંજ સુધી ટોલ રોડ ઉપર હાલોલથી વડોદરા તરફ આવતો રસ્તો બ્લોક થઇ ગયો હતો.
