રાજકોટમાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં આજે સવારે 11.34 વાગ્યે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થયો અને પછી આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે સાયરનો ગુંજી ઊઠી અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ-3 ની ઇમરજન્સી જાહેર કરાઈ હતી. જેમાં 120 કર્મચારીઓને સુરક્ષિત બચાવી લેવાયા હતા જ્યારે 4 કર્મચારીને ગેસની ઝેરી અસર થતા NDRF ની ટીમ દ્વારા PPE કીટ પહેરીને રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. જોકે બાદમાં આ મોકડ્રિલ હોવાનું જાહેર થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. IOCL ના પ્લાન્ટમાં ગેસ લીકેજ થતા કંપનીની સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા. જોકે આગ કાબૂમાં ન આવતા અંતે 112 હેલ્પલાઇન નંબર પર કોલ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સની ટીમને જાણ કરવામાં આવી. આ દરમિયાન કંપનીમાં કામ કરતા આશરે 120થી વધુ કર્મચારીઓને પ્લાન્ટમાંથી સલામત રીતે બહાર લઈ જવાયા હતા. બીજી તરફ પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ બુઝાવવાની કવાયત શરૂ કરી. જોકે આ દરમિયાન પોલીસ, આર.ટી.ઓ.ની ટીમે ટ્રાફિક જામ દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો. આ સાથે એન.ડી.આર.એફ.ની ટીમ પણ ત્યાં પહોચી ગઈ અને પી.પી.ઈ. કીટ પહેરીને દુર્ઘટના ક્ષેત્રમાં જઈને ગેસથી અસર પામેલા 4 કર્મચારીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. અડધા કલાકની કવાયત બાદ અંતે આગ કાબૂમાં આવી હતી. આ દરમિયાન એસ.ડી.આર.એફ.ના જવાનો પણ ખડે પગે રહ્યા હતા. જોકે આખરે આ સમગ્ર કવાયત મોકડ્રીલ હોવાનું જાહેર થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, જિલ્લા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીના સંયુક્ત નિયામકની ટીમ દ્વારા આઈ.ઓ.સી.એલ.ના નવાગામ ખાતે આવેલા પ્લાન્ટમાં અગ્નિશમન ક્ષમતા અને સજ્જતા ચકાસવા આ મોકડ્રીલ કવાયત યોજવામાં આવી હતી. આ તકે જિલ્લા ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના નાયબ નિયામક એન.વી.ચૌધરી, ડિઝાસ્ટર મામલતદાર મીરા જાની, આર.ટી.ઓ. અધિકારી કેતન ખપેડ, જી.પી.સી.બી.ના સાયન્ટિફિક ઓફિસર દશરથ પટેલ, એન.ડી.આર.એફ.ના અનુપમજી, પોલીસ તેમજ એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
IOCL ના પ્લાન્ટમાં LPG લીકેજથી 4 કર્મીને ઝેરી અસર:રાજકોટના નવાગામમાં ગેસ ભરેલો ટેન્કર ખાલી કરતા દુર્ઘટના સર્જાઈ, NDRF ની ટીમે PPE કીટ પહેરી રેસ્ક્યૂ કર્યુ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
