જામખંભાળિયાના ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે. શ્રીમંતના પ્રસંગમાં જઈ રહેલા એક પરિવારની ઓટો રિક્ષા અને પિકઅપ ડાલુ વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં એક પ્રૌઢ મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.
શ્રીમંતના પ્રસંગમાં જતાં કાળ ભેટ્યો
મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના ખડબા ગામનો એક પરિવાર ઓટો રિક્ષામાં સવાર થઈને વડત્રા ગામે યોજાયેલા શ્રીમંતના પ્રસંગમાં જઈ રહ્યો હતો. રિક્ષા જ્યારે જામખંભાળિયાના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી આવતા એક પૂરપાટ ઝડપે દોડતા ઇન્ટ્રા પિકઅપ ડાલા સાથે તેની સામસામે જોરદાર ટક્કર થઈ હતી.
એકનું મોત, પાંચ ઈજાગ્રસ્ત
અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા. ઘટનાની જાણ થતા જ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ઘાયલોને જામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે રિક્ષામાં સવાર મંજુબેન નામના પ્રૌઢ મહિલાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય 5 ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.
અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો
અકસ્માતને પગલે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
