જેતપુરના જેતલસર જંકશન રેલવે ઓવરબ્રિજ પર સર્જાયેલા ભયાનક અકસ્માત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ શિવરાત્રીના મેળામાંથી પરત ફરી રહેલા મિત્રોની કારને નડેલા અકસ્માતમાં અત્યાર સુધી ડ્રાઈવર કોણ હતો તે બાબતે રહસ્ય હતું, જેનો ખુલાસો મૃતક યુવકના એક છેલ્લા વીડિયો દ્વારા થયો છે.
ઓવરબ્રિજની પ્રોટેક્શન વોલ સાથે કાર ટકરાઈ
અકસ્માત પહેલા સવારે 6:29 મિનિટે મૃતક અરુણ વાળાએ સ્નેપચેટ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં કાર ચલાવનાર વ્યક્તિના કપડાં પરથી સ્પષ્ટ થયું છે કે અકસ્માત સમયે સાગર પરમાર સ્ટેયરીંગ પર હતો. અકસ્માતની માત્ર એક મિનિટ પહેલાં જ આ વીડિયો લેવામાં આવ્યો હોવાનું મનાય છે.જેતપુર બાયપાસ રોડ પર રેલવે ઓવરબ્રિજની પ્રોટેક્શન વોલ સાથે કાર એટલી જોરદાર ટકરાઈ હતી કે કારના બે કટકા થઈ ગયા હતા. આ અકસ્માતમાં મુસ્કાન બગડા, અરુણ વાળા અને જયદીપ ચૌહાણ એમ ત્રણ મિત્રોના મોત નીપજ્યા છે.અમિશ પરમાર નામનો યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
ફરાર આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માત સર્જનાર સાગર પરમાર હેમખેમ બચી ગયો હતો અને અકસ્માત બાદ સ્થળ પરથી કાર છોડીને નાસી છૂટ્યો હતો. મૃતક યુવતી મુસ્કાન બગડાના પિતાએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં સાગર પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વીડિયોને પુરાવા તરીકે લઈ ફરાર સાગરની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો: Rajkot: સુપરવાઇઝરના માનસિક ત્રાસથી કંટાળી સિટી બસ ડ્રાઇવરે ઝેરી દવા ગટગટાવી
