- જેતલસર ચોકડી પાસે નેશનલ હાઈવે પર રેલવેનો ઓવરબ્રિજ ખરાબ હાલતમાં
- વાહન સ્પિડમાં ચલાવે તો પલ્ટી ખાઇ જવાની દહેશત
- હવે તો પુલ હેઠળના રેલના પાટા નજરે પડવા લાગ્યા છે
જેતપુરની જેતલસર ચોકડી પાસે નેશનલ હાઈવે પર આવેલ રેલવેનો ઓવરબ્રિજ પર પુલને એક ભાગને બીજા ભાગ સાથે જોડતા સાંધાઓ વચ્ચે દોઢ ફૂટ જેટલી પહોળાઈનો આખા સાંધાનો કોંક્રેટ તૂટી જતા પુલના સળીયા બહાર નીકળી ગયા છે. તેમજ લોખંડની પ્લેટ તૂટી ગઈ છે. જેથી પુલ હેઠળના રેલના પાટા નજરે પડવા લાગ્યા છે. અને આ પુલ પર મોરબી જેવો કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા પુલનું સમારકામ કરવાની વાહન ચાલકોએ માગ કરી છે.
જેતલસર ચોકડી પાસે નેશનલ હાઈવે પર રેલવેનો ઓવરબ્રિજ
જેતલસર ચોકડી પાસે નેશનલ હાઈવે પર રેલવેનો ઓવરબ્રિજ આવેલ છે. આ ઓવરબ્રિજ પર દરરોજ ટુ વ્હીલરથી માંડીને અસંખ્ય ભારેખમ વાહનો પસાર થાય છે. આ ઓવરબ્રિજ પર બે સાંધાઓના જોડતી જગ્યાઓ ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જેમાં બે સાંધાઓ વચ્ચેથી કોંક્રેટ તૂટી જતા પુલના સળીયા બહાર નીકળી ગયા અને પુલના બે ભાગ વચ્ચેની લોખંડની ગટર તૂટી જતા તેના પરથી ભારે વાહન પસાર થાય ત્યારે લોખંડનો સળિયો રીતસરનો હવામાં ઉછળી ઝોલ ખાવા લાગે છે. જો આમને આમ રહેશે તો આ પ્લેટ ઝોલ ખાતી વાહનની આરપાર નીકળી ગંભીર અકસ્માત પણ સર્જી શકે છે.
વાહન સ્પિડમાં ચલાવે તો પલ્ટી ખાઇ જવાની દહેશત
પુલના બે ભાગને જોડતા સાંધા વચ્ચે સળંગ દોઢ ફૂટ જેટલી પહોળાઈમાં અને દસેક ઇંચ જેટલી ઉંડાઈનું કોંક્રેટ તૂટી જતા ટુ વ્હીલર તેમજ ઓટો રીક્ષા પસાર થાય ત્યારે ધીમી સ્પીડ કરતા તેમાં સલવાઈ જાય છે અને ધક્કા મારી બહાર કાઢવા પડે છે અને સ્પિડમાં ચલાવે તો પલ્ટી ખાઇ જવાની દહેશત રહે છે. અને સૌથી ગંભીર બાબત તો એ કહી શકાય કે પુલના બે સાંધા એટલી હદે તૂટવા લાગ્યા છે ત્યાંથી નીચે રેલના પાટા નજરે પડવા લાગ્યા છે. તો શું રેલ તંત્ર આવા કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું છે કે અકસ્માત થાય બાદ જ પુલ રીપેર કરવો તેવું પુલ પરથી પસાર થતાં વાહન ચાલકો પ્રશ્ન કરી રહ્યા છે.
