Khambhat: સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો, કાળા બજારમાં વેચવાનો પ્રયાસ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ગરીબોને વહેંચવાના સરકારી અનાજના જથ્થાને કાળા બજારમાં વેચવા લઈ જવાનો એક મોટો પ્રયાસ નિષ્ફળ ગયો છે. ખંભાત શહેર પોલીસે કોલેજ રોડ પરથી સરકારી અનાજ ભરેલા એક ટેમ્પાને ઝડપી પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

 120 કટ્ટા ઘઉં અને ચોખા કબજે

પોલીસે કોલેજ રોડ પરથી એક આયશર ટેમ્પાને શંકાના આધારે રોકીને તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન ટેમ્પામાંથી ઘઉં અને ચોખા ભરેલા 120 કટ્ટા મળી આવ્યા હતા. કબજે કરાયેલા સરકારી અનાજનો કુલ જથ્થો આશરે 6,000 કિલો (6 ટન) જેટલો છે.પોલીસે ટેમ્પા ચાલકની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ સરકારી અનાજનો જથ્થો ગરીબ પરિવારોને વહેંચવાને બદલે કાળા બજારમાં વેચવા લઈ જવામાં આવી રહ્યો હતો.

 મામલતદારે જથ્થો કર્યો સીઝ

પોલીસની જાણ બાદ તાત્કાલિક મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મામલતદાર દ્વારા સરકારી અનાજના આ સમગ્ર જથ્થાને સીઝ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી આણંદ જિલ્લામાં પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉભા થયા છે, જેના પગલે અનાજ ચોરો બેફામ બન્યા હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. પોલીસે ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આ રેકેટના અન્ય સૂત્રધારોને પકડવા માટે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, પાટણમાં બિસ્માર ‘ભારતમાલા રોડ’ બંધ, કોન્ટ્રાક્ટર ફરી બનાવશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *