ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં સોમનાથ-ઉના હાઈવે પર એક હચમચાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે. બાવાના પીપળવા ફાટક પાસે એક છકડો રિક્ષા પલટી મારી જતાં તેના દ્રશ્યો નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષાની સાથે તેનો ચાલક પણ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયો હતો.
સોમનાથ-ઉના હાઈવે પર અકસ્માત
હાઈવે પર એક છકડો રિક્ષા અધવચ્ચે બંધ પડી ગઈ હતી. આ બંધ રિક્ષાને ટોઈંગ કરવા માટે બીજી રિક્ષા સાથે મજબૂત દોરડા વડે બાંધવામાં આવી હતી. જ્યારે એક રિક્ષા બીજી રિક્ષાને ખેંચીને લઈ જઈ રહી હતી, ત્યારે બાવાના પીપળવા ફાટક નજીક અચાનક પાછળની રિક્ષાએ સંતુલન ગુમાવ્યું હતું. દોરડાના ખેંચાણને કારણે પાછળની રિક્ષા હવામાં ઉછળીને પલટી ખાઈ ગઈ હતી. આ સાથે જ રિક્ષા ચાલક પણ જોરદાર ગોથું ખાઈને રસ્તા પર ફેંકાયો હતો.
ભયાનક દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા
સોમનાથ-ઉના હાઈવે અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી ત્યાં સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. અકસ્માત સમયે અન્ય વાહનો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ સદનસીબે રિક્ષા કોઈ અન્ય વાહન સાથે ન અથડાતા મોટી જાનહાનિ ટળી હતી. રિક્ષા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જે વાહનચાલકોને જોખમી રીતે ટોઈંગ ન કરવા માટે લાલબત્તી સમાન છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
