લીંબડીના લીયાદ ગામના યુવાનની ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ લીંબડી જુના બસ સ્ટેન્ડ રોડ પર લેકવ્યુ ચોકમાં બાઈક પર ધસી આવેલા ચાર શખ્સોએ આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા ચકચારની લાગણી પ્રસરી જવા પામી હતી.
લીંબડી હોસ્પિટલ પોલીસ ચોકીએથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ લીયાદ ગામના કોળી પટેલ હિતેશભાઈ હેમુભાઇ સુરેલા જાતે ઉમર વર્ષ આશરે 40 વર્ષ જે લીંબડી જુના બસ સ્ટેન્ડ રોડ પરથી પસાર થતા હતા. ત્યારે બાઇક પર આવેલા 4 શખ્સોએ દોડી આવી છરી વડે હુમલો કરતા હિતેશ સુરેલા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. એકાએક હુમલો થતા ઉત્તરાયણની ખરીદી કરવા આવેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા લીંબડી પોલીસ, ડીવાયએસપી, જિલ્લા મથકેથી એલસીબીની ટીમ તુરત જ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે લોહી લુહાણ હાલતમાં પડેલા યુવાનને લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યા હતો. હુમલાખોરો જીવલેણ હુમલો કરી ભાગી છુટયા હતા. લીંબડી પોલીસે ફરાર થયેલા આરોપીઓના સગડ મેળવવા પગેરૂ દબાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
