Mahesana News: કડીમાં માલગુરુ મંદિર પાસે લાગી આગ, અફરાતફરીનો માહોલ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા જાસલપુર રોડ પર આજે આગની એક ઘટના બની હતી. માલગુરુ મહારાજના મંદિરની બરાબર સામે આવેલા ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલા અને ઝાડી-ઝાંખરામાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ઝડપથી ફુંકાતા પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

કેબિન અને ઝાડ આગની ઝપેટમાં

ઝાડીઓમાં લાગેલી આ આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી, જેમાં આસપાસના લીલાં ઘટાદાર વૃક્ષો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઉપરાંત, ત્યાં આવેલી એક કેબિન પણ આગમાં ખાખ થઈ ગઈ હોવાના અહેવાલ છે. આગની તીવ્રતા એટલી વધુ હતી કે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

સ્થાનિકો અને પાલિકાની ટીમે આગ ઠારી

ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ત્યારબાદ કડી નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમે સંયુક્ત રીતે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આગનું કારણ અકબંધ

કચરાના ઢગલામાં આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. કોઈએ સળગતી બીડી-સિગારેટ ફેંકી હોવાને કારણે કે પછી ગરમીના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. હાલમાં તંત્ર દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો – Mahesana news: કડીમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનો મોરચો: લઘુત્તમ વેતન મુદ્દે આવેદન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *