Rajkot : જેતપુરના ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટરને લઈને વેપારીઓમાં ભારે રોષ, સંમતિ વિના રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતા વિવાદ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટરને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. PGVCL દ્વારા વેપારીઓની કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે સંમતિ વિના રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતા વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સને સાથે રાખી વેપારીઓએ PGVCLને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે,

30 થી વધુ દુકાનોમાં રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા

 જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં અંદાજે 300 જેટલી દુકાનો આવેલી છે. જેમાંથી PGVCL દ્વારા આશરે 30 થી વધુ દુકાનોમાં રાતોરાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે,. વેપારીઓને કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના અને તેમની સંમતિ લીધા વગર જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે.

સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં અચાનક ભારે વધારો થયો

ચાર માળના કોમ્પ્લેક્સમાં તમામ દુકાનોના મીટર નીચે એક જ જગ્યાએ હોવાથી વેપારીઓને સમયસર જાણ પણ થઈ નહોતી,વેપારીઓનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં અચાનક ભારે વધારો થયો છે, આથી વેપારીઓ દ્વારા જુના મીટર ફરીથી લગાવી આપવા માગ ઉઠાવવામાં આવી છે,

 ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનો આક્ષેપ

 ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે સંમતિ વગર મીટર લગાવવાની સાથે જૂના મીટર જે લઈ જવામાં આવ્યા તેની પણ કોઈ જાણ કરવામાં આવી નથી,. જો જુના મીટરમાં કોઈ પ્રકારની ખામી કે દંડ લાગશે તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ વેપારીઓએ ઉઠાવ્યો છે.

વીજ કનેક્શન રદ કરી દેવાની ધમકી આપી મીટર લગાવવામાં આવ્યા

વેપારીઓનો દાવો છે કે લગભગ 15 દિવસ બાદ તેમને ખબર પડી કે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે,જ્યારે આ બાબતે PGVCLમાં સંપર્ક કરતા ત્યાંથી પણ સ્માર્ટ મીટર બાબતે અજાણ હોવાનો જવાબ મળ્યો હોવાનો વેપારીઓનો દાવો છે,. વધુમાં કેટલાક વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ મીટર ન લગાવીએ તો વીજ કનેક્શન રદ કરી દેવાની ધમકી આપી મીટર લગાવવામાં આવ્યા હતા,

PGVCLમાં વેપારીઓની સાથે સંયુક્ત રજૂઆત કરવામાં આવી

 ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટર મુદ્દે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.ડી. પટેલે જણાવ્યું હતું કે, વેપારીઓ તરફથી મોટી સંખ્યામાં ફરિયાદો મળ્યા બાદ PGVCLમાં વેપારીઓની સાથે સંયુક્ત રજૂઆત કરવામાં આવી છે, વેપારીઓની જાણ કે સંમતિ વિના રાતોરાત લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર દૂર કરી ફરીથી જુના મીટર લગાવવા અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે,તેમનું કહેવું છે કે સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં વેપારીઓ પર બળજબરીથી લગાવવામાં આવ્યા છે.

સંબંધીત કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને જરૂરી પગલાં ભરવામાં આવશે

સ્માર્ટ મીટર બાબતે PGVCLના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓની સંમતિ વિના સ્માર્ટ મીટર લગાવવાની ફરિયાદ મળતાં સંબંધીત કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને જરૂરી પગલાં ભરવામાં આવશે,જોકે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હાલ જુના મીટર ફરીથી લગાવવું શક્ય નથી સાથે જ વેપારીઓને સંતોષ મળે તે માટે સ્માર્ટ મીટરની બાજુમાં ચેક મીટર મૂકીને બિલમાં વધારા અંગે સરખામણી કરી શકાય તેવા પ્રયાસો કરવામાં આવશે,. જોકે અધિકારીના નિવેદન પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે સ્માર્ટ મીટર હટાવવાની કોઈ શક્યતા હાલ દેખાતી નથી,

PGVCL સામે અનેક સવાલો ઊભા થયા

મહત્વની વાત એ છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી, છતાં વેપારીઓની જાણ અને સંમતિ વિના મીટર લગાવવામાં આવતા PGVCL સામે અનેક સવાલો ઊભા થયા છે, હવે વેપારીઓ દ્વારા કરવામાં આવેલી જુના મીટર ફરી લગાવવાની માંગ સામે PGVCL શું પગલાં લે છે તે જોવું મહત્વનું રહેશે.

આ પણ વાંચો—–  Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *