RTO ઈન્સપેક્ટરે 6 મહિના પહેલા જ પત્નીની હત્યાનો પ્લાન ઘડ્યો'તો:RFO પત્ની પર ફાયરિંગ કરાવવા આરોપીને 160 કિમીની ઝડપે દોડતી બાઈક અપાવી, ફાયરિંગ બાદના CCTV

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં તેમના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નિકુંજે માત્ર હત્યાની સોપારી જ નહોતી આપી, પરંતુ છ મહિના પહેલાંથી જ સોનલ પર ફાયરિંગ કરવાનો આખો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. એટલું જ નહીં, હત્યાને અંજામ આપવા માટે શૂટર ઈશ્વરપુરીને ખાસ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી સ્પોર્ટ્સ બાઇક પણ આપવામાં આવી હતી. ફાયરિંગ બાદ ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ઈશ્વર એ જ બાઈક પર ફરાર થતાં નજરે આવે છે.. કાયદાની આંટીઘૂંટીમાંથી બચવા પતિએ કાયદાના પુસ્તકો વાંચ્યા
પોલીસે આરોપી નિકુંજ ગોસ્વામીને રિમાન્ડ દરમિયાન અડાજણ સ્થિત કવિ કલાપી ગાર્ડનની બાજુમાં આવેલા વિજયા લક્ષ્મી હિલ્સ એપાર્ટમેન્ટમાં તેના ઘરે તપાસ માટે લઈ ગઈ હતી. નિકુંજના પિતાની હાજરીમાં કરાયેલી તપાસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. ઘરમાંથી 36 જીવતા કારતૂસનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી નિકુંજ RTO ઇન્સ્પેક્ટર હોવા છતાં, તે પોતાની પત્નીની હત્યાના પ્લાન બાદ કાયદાની આંટીઘૂંટીમાંથી બચવા માટે સતત કાયદા સંલગ્ન પુસ્તકો અને ચોપડાઓ વાંચી રહ્યો હતો. પોલીસે આ તમામ પુસ્તકો પણ જપ્ત કર્યા છે. હત્યા બાદ કઈ રીતે કાયદાકીય પ્રક્રિયામાંથી બહાર નીકળી શકાય તેની પૂર્વ તૈયારી તેણે કરી રાખી હતી. પત્નીની કારમાં પતિએ જ GPS ટ્રેકર લગાવ્યું’તુ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ નિકુંજે સોનલના દરેક લોકેશન પર નજર રાખવા માટે તેની કારમાં જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું, જે તેણે અડાજણ વિસ્તારમાંથી જ ખરીદ્યું હતું. આ જીપીએસની મદદથી તે સોનલ ક્યાં જઈ રહી છે તેની દરેક માહિતી મેળવતો હતો. ઈશ્વરપુરીએ 8મી ઓક્ટોબરે પણ રેકી કરી હતી
હત્યાની કોશિશ માત્ર 6 નવેમ્બરના રોજ જ નહોતી થઈ. સુરત એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે એક મહિના પહેલાં પણ સોનલની હત્યા કરવા માટે રેકી કરવામાં આવી હતી. આરોપી નિકુંજનો મિત્ર અને શૂટર ઈશ્વરપુરી ગોસ્વામી 8 ઓક્ટોબરના રોજ સોનલની ગાડીનો પીછો કરતો અમદાવાદ સુધી ગયો હતો. નિકુંજે આપેલી 160 કિલોમીટર પ્રતિ કિલો રફતારવાળી સ્પોર્ટ્સ બાઇક પર ઈશ્વરપુરીએ લાંબો પીછો કર્યો હતો, પરંતુ તે સમયે યોગ્ય તક ન મળતા તે ફાયરિંગ કર્યા વિના પાછો ફર્યો હતો. ફાયરિંગ બાદ ફરાર થઈ રહેલા શૂટરના CCTV સામે આવ્યા
6 નવેમ્બરના રોજ સોનલ સોલંકી પર ફાયરિંગ કરી ઘટનાસ્થળ પરથી ફરાર થનાર શૂટર ઈશ્વરપુરીનો સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યો છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે ફાયરિંગ બાદ ઈશ્વરપુરી એ જ સ્પોર્ટ્સ બાઇક પર ગતિએ ભાગી રહ્યો છે, જે બાઇક નિકુંજે તેને ખાસ આ ગુના માટે આપી હતી. આ સીસીટીવી ફૂટેજ હવે કેસમાં એક મજબૂત પુરાવો બની ગયો છે.પોલીસે ગુનામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની હ્યુન્ડાઈ ઈયોન ફોરવ્હીલ કાર પણ કબજે લીધી છે, જેનો ઉપયોગ નિકુંજે ઈશ્વરપુરીને રેલ્વે સ્ટેશન પરથી પીકઅપ કરવા માટે કર્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસની ટીમે શૂટર ઈશ્વરપુરીને સાથે રાખીને થાણેના માસેઘાટ ખાતે પણ તપાસ કરી હતી, જ્યાં તેણે જનતા બજારમાંથી ગુના માટે એક મોબાઈલ ફોન અને ત્રણ સિમકાર્ડ ખરીદ્યા હોવાની ખરાઈ કરી હતી. 11 દિવસ બાદ પણ RFO સોનલ બેભાન અવસ્થામાં
આ ગંભીર બનાવને 11 દિવસ વીતી ગયા હોવા છતાં RFO સોનલ સોલંકીની હાલત ગંભીર અને બેભાન અવસ્થામાં છે. 10થી વધુ ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. પોલીસે પતિ નિકુંજનો છ મહિના જૂનો હત્યાનો પ્લાન, સ્પોર્ટ્સ બાઇકનો ઉપયોગ, અમદાવાદ સુધીની રેકી, જીપીએસ ટ્રેકિંગ અને ઘરમાંથી મળી આવેલા ગોળીઓના જથ્થા જેવા મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા છે, જે આ કેસને મજબૂત બનાવશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *