આજ કાલ સાયબર ફ્રોડ જાણે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સાયબર પોલીસ દ્વારા અવાર નવાર જનજાગૃતિ છતાં પણ લોકો જાગૃત થતા નથી અને પોતાના કમાયેલા રૂપિયા કોઈને કોઈ લાલચમાં આવી ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે ડભોઇના એક વેપારીએ આરટીઓ ચલણના નામે આવેલી એપીકે ફાઇલ ડાઉનલોડ કર્યા પોતાના બેંક ખાતામાંથી 4.40 ઉપડી જતા ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે. વડોદરા જિલ્લાના ડભોઇના શ્રીનિવાસ સોસાયટીમાં રહેતા વેપારી મનોજભાઈ છગનભાઈ પટેલ પાસેથી ફક્ત એક APK ફાઈલ ડાઉનલોડ કરતાં જ તેમના ત્રણેય બેંક ખાતામાંથી કુલ રૂપિયા 4,40,000ની ઠગાઈ થઈ ગઈ હતી. તેઓ કુબેર ટ્રેડર્સ નામની બિલ્ડિંગ મટિરિયલ્સની દુકાન ચલાવે છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 6 જુલાઈ 2025ની રાત્રે તેઓ ઘરે બેઠા મોબાઈલ ચેક કરતા હતા ત્યારે તેમના વૉટ્સએપ ગ્રુપમાં ગોવિંદભાઈ પટેલ નામના વ્યક્તિ તરફથી RTO ચલણ નામની એક APK ફાઈલ આવી હતી. તેમને લાગ્યું કે તેમની ફોરવ્હીલર ગાડીનું રૂપિયા 500નું ઈ-ચલાન ભરવાનો મેસેજ હશે. તેમણે ફાઈલ પર ક્લિક કરી અને એપ ડાઉનલોડ થઈ ગઈ હતી. પેમેન્ટનો કોઈ ઑપ્શન ન આવતાં તેમણે એપ બંધ કરી ઊંઘી ગયા હતા. બીજા દિવસે સવારે તેઓના મોબાઈલ પર એક પછી એક OTP આવવા લાગ્યા અને ત્રણેય બેંક ખાતામાંથી પૈસા કપાતા હોવાના મેસેજ આવવા લાગતા જ તેઓએ બેંકની એપ ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ એપ ખુલી નહીં. તેઓ બેંકની વડોદરા અને ડભોઇ બ્રાન્ચમાં ગયા ત્યાં ખબર પડી કે તેમનો ફોન હેક થયો છે અને સાયબર ઠગોએ તેમના ખાતામાંથી અલગ અલગ ત્રણ ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા 4.40 લાખ ઉપડી લીધા છે. આ અંગે તેઓએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર જણાવ્યું અને બાદમાં ડભોઇ પોલીસે આ મામલે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
RTO ચલણના નામે મોટી ઠગાઈ:વડોદરા ડભોઇના વેપારીને APK ફાઇલ મોકલી અને ડાઉનલોડ કરતા બેંક ખાતામાંથી લાખ ઉપડી ગયા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
