સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ વલસાડ જિલ્લામાં દારૂબંધીના ભંગ સામે કડક કાર્યવાહી કરી છે. 19 નવેમ્બર 2025ના રોજ ઠાકરવાડા ગામથી કલવાડા રોડ તરફ અતુલ ફળિયા ખાતે દરોડો પાડી ₹8.46 લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બેને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે કુલ ₹8,46,929/- નો મુદ્દામાલ કબજે લીધો હતો. જેમાં 2,203 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ, દારૂની હેરાફેરીમાં વપરાયેલા પાંચ વાહનો અને પાંચ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલો દારૂ દમણની ખેમાણી ડિસ્ટીલરી, જ્યુપિટર ડિસ્ટીલરી અને નાશિકની પર્નોડ રિકાર્ડ ઇન્ડિયા પ્રા. લિ. જેવી કંપનીઓમાંથી સપ્લાય થતો હોવાનું બહાર આવ્યું છે. ઘટનાસ્થળેથી દારૂની હેરાફેરી કરતા મોપેડ ડ્રાઈવરો સહિત પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં વિરલ હળપતિ, આશિષ પટેલ, સાગર પટેલ, શુભમ સિંહ અને માનસિંગ સિંહનો સમાવેશ થાય છે. આ કેસમાં દમણથી દારૂ સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયર કુણાલ ઉર્ફે લાલુ પટેલ અને દારૂનો રીસિવર અંકિત (વાઘલધરા) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ગુનામાં પ્રોહીબિશન અધિનિયમની કલમ 65(A)(E), 81, 83, 98(2) અને 116(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. SMCના પી.એસ.આઇ. આર.જી. વાસવા અને તેમની ટીમે આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડી હતી. વધુ તપાસ વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ચાલી રહી છે.
SMC એ વલસાડમાં દારૂનો જથ્થો ઝડપ્યો:₹8.46 લાખના દારૂ સાથે 5 શખ્સોની ધરપકડ, 2 વોન્ટેડ જાહેર
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
