SRP જવાન અપહરણ-લૂંટ કેસ: પોરબંદરના આરોપીને આગોતરા જામીન:ગોંડલ કોર્ટે ₹50 હજારના શરતી જામીન મંજૂર કર્યા, 14 ગુના નોંધાયા હતા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ગોંડલ સેશન્સ કોર્ટે SRP જવાનના અપહરણ અને લૂંટ કેસમાં સંડોવાયેલા પોરબંદરના મયુર હરદાસભાઈ ઓડેદરાની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે. અદાલતે આરોપીને ₹50,000ના શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ બનાવ ગત 11 સપ્ટેમ્બરના રોજ બન્યો હતો. ફરિયાદી ડ્રાઈવર રાહુલભાઈ પરમાર અને કંડક્ટર સુરેશભાઈ વાઢેર ST બસ લઈને પોરબંદરથી ગાંધીનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન 12 સપ્ટેમ્બરની રાત્રે ભોજપરા ગામના પાટિયા પાસે એક સ્કોર્પિયો અને સ્વિફ્ટ કારે બસને આંતરી હતી. કારમાંથી ઉતરેલા 4-5 શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી, બસમાં સીટ નંબર 26 પર બેઠેલા SRP જવાનને નીચે ઉતારી બળજબરીથી અપહરણ કર્યું હતું. આ સમયે મુસાફરોને મોબાઈલમાં શૂટિંગ ન કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં જ પોલીસે ભોગ બનનારને મુક્ત કરાવી અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે નામ ખૂલ્યા બાદ મયુર ઓડેદરાએ ધરપકડથી બચવા ગોંડલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ કેસમાં આરોપી મયુર ઓડેદરા તરફે વકીલ વિજયરાજસિંહ જાડેજાએ દલીલો કરી હતી કે, હાલના આરોપીએ કોઈ અપહરણ, લૂંટ કે મારપીટ કરી નથી અને ફરિયાદમાં તેમનું સીધું નામ નથી. બચાવ પક્ષે હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને દલીલો રજૂ કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ગોંડલ સેશન્સ કોર્ટે બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીના ₹50 હજારના શરતી આગોતરા જામીન મંજૂર કર્યા હતા. સુનાવણી દરમિયાન આરોપી વિરુદ્ધ અગાઉ 14 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાની વિગતો પણ કોર્ટ સમક્ષ આવી હતી. આ કેસમાં ધારાશાસ્ત્રી વિજયરાજસિંહ એસ. જાડેજા, એચ.કે. ચનિયારા અને કલ્પેશ એ. ચનિયારાએ આરોપી તરફે દલીલો કરી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *