Surat News: પલસાણામાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની ટક્કરથી યુવકનું મોત

📅 Published: February 17, 2026 | 📂 Category: Uncategorized

સુરત જિલ્લામાં બેફામ ગતિએ દોડતા વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે. પલસાણામાં મલેક ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 18 વર્ષીય આશાસ્પદ યુવકનું માથામાં ગંભીર ઇજા થવાના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પલસાણા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, પલસાણામાં રહેતો 18 વર્ષીય વિકાસ રમેશભાઈ હળપતિ પોતાની મોટરસાયકલ લઈને મલેક ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, વિકાસને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સારવાર દરમિયાન તોડ્યો દમ

અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે પલસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, માથાની ઇજા અત્યંત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ આ યુવાને અંતિમ શ્વાસ લીધા હતા.

વધતા જતા અકસ્માતના કિસ્સાઓ વચ્ચે વાહન ચાલકોની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકો દ્વારા ટ્રાફિકની સમસ્યા અને બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો – Surat News: શિવશક્તિ માર્કેટમાં આગના એક વર્ષ બાદ પણ વેપારીઓ રઝળ્યા, SVNIT ના રિપોર્ટ વગર વધી મુશ્કેલી


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *