વલસાડ તાલુકાના પારનેરા ગામે સિંચાઈ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. અંબિકા વિભાગની નહેરમાં પાણી છોડવામાં આવ્યા બાદ યોગ્ય મોનિટરિંગના અભાવે નહેર ઓવરફ્લો થઈ હતી. જેના કારણે આજુબાજુના ખેતરોમાં નહેરના પાણી ફરી વળ્યા છે.
નહેર ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત રાત્રિ દરમિયાન નહેરમાંથી પાણી ઓવરફ્લો થવાની શરૂઆત થઈ હતી. જોતજોતામાં પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા અને સવાર સુધીમાં ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતો જ્યારે સવારે ખેતરે પહોંચ્યા ત્યારે તેમનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો હતો.
ખેડૂતોની વળતરની માંગ
સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીને લીધે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખાતર, બિયારણ અને મજૂરી પાછળ કરેલો ખર્ચ માથે પડતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. રોષે ભરાયેલા ખેડૂતોએ હવે સરકાર પાસે સર્વે કરી તાત્કાલિક વળતર આપવાની માંગ કરી છે.
