વલસાડ સિટી પોલીસે મહિલા વ્યાજખોર સામે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. આરોપી વ્યાજખોર મહિલા નીલમે 27,000ની લોન સામે રૂ. 91,000 વસૂલ્યા હોવા છતાં પીડિતાને વધુ રૂપિયા માટે ધમકી આપ્યાનો આરોપ છે.આ મામલે પીડિતા ભાવિનીબેન ગણેશભાઈ પટેલ, જે GRD સભ્ય છે, તેમણે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, જરૂરિયાત હોવાને કારણે તેમણે આરોપી નીલમ પાસેથી રૂ. 27,000 વ્યાજે લીધા હતા. આરોપીએ અગાઉથી જ રૂ. 50,000નો સિક્યુરિટી ચેક પણ લખાવી લીધો હતો.
ધમકી આપતાં પીડિતાએ પોલીસનો સહારો લીધો
લોનની રકમ કરતાં અનેકગણી રકમ વસૂલ્યા બાદ પણ વધુ પૈસા માગી ધમકી આપતાં પીડિતાએ પોલીસનો સહારો લીધો હતો. ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મહિલા વ્યાજખોર નીલમની ધરપકડ કરી છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મહિલા વ્યાજખોરે વ્યાજ પણ લીધુ અને રૂપિયા ચૂકવાઈ ગયા તેમ છત્તા વ્યાજ લેવાનું ચાલુ રાખ્યું હતુ, ભાવિનીબેન પટેલ નામની યુવતીને જાન્યુઆરી-2025માં નાણાંની જરૂર પડી હતી. તેણે વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતી નિલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી ₹27,000 રોકડા વ્યાજે લીધા હતા. આ રકમ પર માસિક 33 ટકા જેવું તોતિંગ વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું.
